ચોકો ઈડલી પ્લેટર વિધાઉટ ચોકલેટ (Choco Idli Platter Without Chocolate)

ચોકલેટ ઇડલી કેક એ બાળકો માટે એક ઝડપી રેસીપી છે. ઈડલી નરમ હોય છે અને તેનો સ્વાદ કેક જેવો જ હોય ​​છે, છતાં પણ એમાં ચોકલેટનો બિલકુલ ઉપયોગ નથી. ચોકો ઈડલી 15 મિનિટની અંદર તૈયાર કરવામાં આવે છે અને શાળા પછી બાળકો માટે સાંજના નાસ્તા તરીકે પીરસી શકાય છે. તમે બદામ અથવા ટુટી ફ્રુટી અથવા મધ સાથે ગાર્નિશ કરી શકો છો.

ચોકો ઈડલી થાળી | સંસ્કૃતિ આયુર્વેદમ

ચોકો ઈડલી થાળી | સંસ્કૃતિ આયુર્વેદમ

સામગ્રી :

  • રાગીનો લોટ, ખજૂર, કાળી દ્રાક્ષ, અંજીર, દેશી ગોળ
  • આથો લાવવા 1-2 ચમચી દહીં, ઇનો 
  • ગાર્નિશિંગ માટે – ફાડા કરી ઘીમાં શેકેલી બદામ, મધ 

રીત : 

  • 6-7 નંગ ખજૂર, 3-4 નંગ અંજીર, 2 મુઠી જેટલી કાળી દ્રાક્ષ લઇ બધું 3-4 કલાક પાણીમાં પલાળી રાખવું.
  • ત્યારબાદ એની પેસ્ટ બનાવી, દોઢથી બે કપ જેટલા રાગીના લોટમાં મીક્ષ કરવું. સ્વાદ અનુસાર ગોળ અને 2 ચમચી દહીં ઉમેરવું. જરૂર જણાય તો નવશેકું પાણી ઉમેરી ઈડલી જેવું ખીરું તૈયાર કરી 30-40 મીનીટ  ઢાંકીને રાખવું.
  • ત્યાર બાદ થોડું થોડું ખીરું અલગ વાસણમાં લઇ ઇનો ઉમેરવો અને હલાવું. પછી ઈડલીની પ્લેટને ઘી લગાડી તેમાં ખીરું નાખવું અને 10-12 મીનીટ વરાળમાં મુકવું.
  • ઈડલી બરાબર ચડી જાય એટલે બહાર કાઢી, ઠંડું થવા દેવું. પછી ચમચીની મદદથી ઈડલી કાઢી લેવી અને દરેક ઈડલીમાં બદામ ભરાવવી.
  • આ જ ખીરુંમાંથી અપ્પમની પ્લેટનો ઉપયોગ કરી અપ્પમ બનાવી લેવા. ઈચ્છો તો એમાં તલ ઉમેરી શકો. અપ્પમ થોડા જલ્દી બની જાય છે.
  • સર્વ કરતી વખતે એક પ્લેટમાં ઈડલી અને અપ્પમ ગોઠવી, મધથી ગાર્નિશિંગ કરવું. બીલકુલ ઠંડુ કર્યા બાદ જ મધ ઉમેરવું.

આ જ ખીરુંમાંથી કેક, કપકેક, પૂડલા વગેરે બનાવી શકાય. વધુ સમય સ્ટોર કરવું હોય તો આ બધી સામગ્રીમાંથી લાડું કે બોલ્સ પણ બનાવી શકાય.


પોષણ ક્ષમતા

રાગી (Finger or African millet) :

દક્ષિણ ભારત, પંચમહાલ, ડાંગમાં મુખ્ય આહાર છે. રાગીમાં પ્રોટીન, વિટામીન્સ, મિનરલ્સ, વિવિધ એમાઈનો એસિડ્સ, ગંધક અને ઝીંક પણ રહેલા છે. કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહીથી ભરપૂર છે. સર્વ સામાન્ય ધાન્યો કરતા રાગીમાં કેલ્શીયમ અને આયોડીન વધુ માત્રામાં છે. કુપોષણ કે એનેમિયાથી પીડાતા લોકો માટે રાગી શ્રેષ્ઠ વિકલ્પ છે.

મુન્નકા (Vitis Vinifera) :

મુન્નકા કે કાળી દ્રાક્ષમાં કેલ્શીયમ, મેગ્નેશીયમ, પોટેશીયમ, લોહ, ફોસ્ફરસ હોય છે. આયુર્વેદ અનુસાર તે રસ અને વિપાકમાં મધુર, શીતવીર્ય અને ત્રિદોષહર છે. ક્ષય, પાંડુરોગ, કાસ, કબજીયાતમાં સારો ઉપયોગ થાય છે. ઉપરાંત તે ચક્ષુસ્યા છે. રૂચ્ય, વૃષ્ય, સંતપર્ણી, પુષ્ટિદમ, શ્રમાર્તિશમનં વગેરે એના ગુનો છે. ઓછું વજન ધરાવતા બાળકોને નિયમિત રૂપે આપી શકાય છે.

ખજૂર (Dates or Phoenix Sylvestris) :

રસ અને વિપાક મધુર, શીતવીર્ય અને વાતપિત્તઘ્ન છે. ખજૂર હદ્ય પોષક, બલ્ય, વૃષ્ય, તર્પણ, બૃહણ અને મૂત્રલ છે. ખુબ ઓછા પાણીમાં કે દુષ્કાળમાં પણ ખજૂરના ફળ સારા થાય છે. લોહવર્ધક અને શક્તિવર્ધક છે.

અંજીર (Fig or Ficus Carica) :

પ્રોટીન, આર્યન, કેલ્શીયમ, ફોસ્ફરસ, કેરોટીન, વિટામીન B ના ઘટકો અંજીરમાં હોય છે. ઘણાં બધા શાક, ફળ અને સૂકા મેવા કરતા લોહ અને તામ્રનું પ્રમાણ વધારે છે. તેમાં ફાઈસીન નામનું કૃમિધ્ન તત્વ પણ છે. તે બલ્ય, પાંડુરોગનાશક સ્નિગ્ધ, રેચક, વાતકફધ્ન છે. 

ગોળ :

વૃષ્ય અને બલપ્રદ છે.

વધુ માહિતી માટે સંપર્ક:
ડો.દેવલ જેઠવા
8980230050

Write a comment

Your email address will not be published. All fields are required