શરદ ઋતુ અને પિત્ત આયુર્વેદની દ્રષ્ટિએ . . .(Ayurvedic Treatment For Pitta)

          એ હાલો…! મિત્રો,ગરબે ઘુમવાની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે ને? શીર્ષક વાંચીને જ રંગરસીયા શોખીન જીવડાંઓનું હૈયું થનગનવા લાગશેને પગ થીરકવા લાગશે…ત્યાં વળી કોક વડીલ નાકનું ટીચકું ચડાવશે…કે હાલી નીકડયા છો…નવરાત્રી પહેલા તો શ્રાદ્વ આવશે એનો મહિમા તો ખબર નથી વગેરે…વગેરે…વગેરે…

         પણ શ્રાદ્વની ખીર હોય કે નવરાત્રીની ચાંદની રાતો કે પછી શરદપૂનમનાં દૂધ-પૌઆ હોય…બધી જ ધાર્મિક પરંપરાઓ કે આપણી સંસ્કૃતિમાં ઉજવાતા કોઈ પણ તહેવારો ઋતુ અનુસાર વૈજ્ઞાનિક ઢબે ગોઠવવામાં આવ્યા છે. અને ઉત્સવ સ્વરૂપે આપણી રોજિંદી જીંદગીમાં વણી લેવામાં આવ્યા છે.

          વર્ષાઋતુ ચર્યા મુજબનું અનુસરણ ન કર્યું હોય તો પિત્તનો સંચય થાય છે.વરસાદની થોડી ઘણી ઠંડકના લીધે સંચિત થયેલું પિત્ત એ વખતે કોઈ જ ઉપદ્વવ કરતું નથી પરંતુ વર્ષાઋતુ જતાં જ સૂર્યનો વ્યવસ્થિત તાપ લાગવાથી એ પિત્ત પોતાની પૂર્ણ શક્તિથી પ્રકોપ પામે છે અને વિવિધ પિત્તજ વિકારો કરે છે.ઉપરાંત શરદઋતુમાં રક્ત પણ  ઉષ્ણતાયુક્ત હોય છે જેના કારણે રક્તદુષ્ટિ થઈને વિવિધ રક્તવિકારો પણ થાય છે.એટલા માટે શરદઋતુ ચર્યામાં રક્ત અને પિત્તને કોપાવે કે વધારે એવા આહાર-વિહારનો ત્યાગ કરવાનો હોય છે.જેમાં તડકાનું વધુ પડતું સેવન,દિવસની ઊંઘ,ક્ષારીય કે ખારા-તીખા પદાર્થો,દહીં,વધુ પડતા તેલ મસાલા,  ઉષ્ણવીર્ય દ્વવ્યો,ધુમ્રપાન,મદિરા વગેરેનો સમાવેશ થાય છે.

         એના બદલે રોજબરોજના ખોરાકમાં મધુર કે કડવા રસયુક્ત સ્વભાવે ઠંડા અને પચવામાં વધુ ભારે ન હોય એવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ.અને રાત્રે ચંદ્રની શીતળ ચાંદનીનું સેવન કરવું  જોઈએ. દૂધ મધુર, ગુણમાં ઠંડું, સુપાચ્ય,પૌષ્ટિક આહાર છે માટે જ શ્રાદ્વપક્ષમાં ખીરનું મહત્વ છે.કાગવાસ નાખીને કાગડાને ખીર ખવડાવો કે ન ખવડાવો એ પોતપોતાની અંગત માન્યતા છે.પણ મહત્વ પોતે દરરોજ ખીર ખાવાનું છે.આપણી પ્રજા ધર્મભીરૂ છે માટે જ ઋષિમુનિઓએ દરેક વૈજ્ઞાનિક અને સ્વસ્થયોપયોગી બાબતો ધર્મ સાથે જોડી છે. એ જ કારણથી ખુલ્લા મેદાનોમાં ગરબી કે નવરાત્રી યોજવાની પરંપરા છે. જેથી વધુ સમય સુધી ચંદ્રની શીતળતાનો લાભ મળે અને વધુ પડતી ઉષ્ણતા સામે રક્ષણ મળે.શરદપૂનમમાં ખવાતા દૂધ-પૌવા પણ સાકર નાખી, ચંદ્રની ચાંદનીમાં રાખી મૂકી પછી ખાવામાં આવે છે. આ દરેક પાછળનું કારણ પિત્ત અને રક્તનો પ્રકોપ ન થવા દઈ સ્વાસ્થ્ય જાળવી રાખવું એ જ છે.

         આ તો થઇ સાંસ્કૃતિક પરંપરાઓની વાત પણ સામાન્ય રીતે નવરાત્રી  આવતા પહેલાજ ગૃહિણીઓ ઘરની સાફસફાઈમાં લાગી જાય છે.અને ઘરને એકદમ ચોખ્ખું-ચણાક કરી દે છે…પરંતુ તમારા શરીરની સફાઈ અંગે ક્યારેય વિચાર્યુ? સરસ મજાનાં તહેવારોની મજા તમે ત્યારે જ માણી શકશો જયારે તમારું શરીર દોષોથી રહિત-સ્વસ્થ હશે. શરદઋતુમાં સંચિત અને પ્રદુષિત થયેલા પિત્ત તેમજ દુષિત થયેલા રક્તને લીધે વિષમજ્વર,મેલેરિયા,ડેન્ગ્યુ,અમ્લપિત્ત,એલર્જી,ખરજવું અને અન્ય ત્વચાના વિકારો કે પેટનાં  વિકારો થાય છે આખી  દુષિત કે પ્રદુષિત વધેલા દોષોને શરદઋતુમાં વિરેચન અને રક્તમોક્ષણ  જેવા પંચકર્મો દ્વારા શરીરમાંથી દૂર  કરવા જોઈએ.પહેલા પણ કહ્યું છે,એ મુજબ પંચકર્મો વિવિધ રોગોમાં તો ઉપયોગી છે જ પરંતુ તેનું મૂળભૂત વર્ણન સ્વાસ્થ્યનાં  રક્ષણાર્થે   કરવામાં આવ્યું છે. અને શરદઋતુનાં  પંચકર્મો તો વિશેષ મહત્વનાં છે.કારણકે શરદઋતુને रोगाणां माता એટલે કે વિવિધ રોગોની જનની ગણવામાં આવે છે. આ સમયમાં જ રોગો થવાની શક્યતા મહત્તમ હોય છે. ઉપરાંત આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર લગભગ બારે-માસ આપણે  ભગવાન  સૂર્યનારાયણના સંપર્કમાં રહીયે છીએ અને અમુક સમય દરમિયાન સૂર્ય પૃથ્વીથી ઘણો નજીક હોય છે ત્યારે સૂર્યનાં આકરા તાપને કારણે પણ પિત્ત અને રક્ત પર તેની અસર પડે છે. આથી એવું પણ માનવામાં આવે છે કે જેને શરદઋતુમાં કોઈ પણ રોગ નથી થતાં એને આખું વર્ષ સ્વસ્થતાથી પસાર થાય છે. માટે જ કોઈને આશીર્વાદ આપતી વખતે शतं जिवेत् शरदं। જ કહેવામાં આવે છે અન્ય કોઈ ઋતુનું નામ નથી આવતું કારણકે જે વ્યક્તિ શરદઋતુ જીવી જાશે એ વર્ષની બાકીની ઋતુઓ પણ આરોગ્યપૂર્ણ રીતે પસાર કરશે.

           આથી દરેકને અનુરોધ છે કે શરદઋતુ ચર્યા નું પાલન કરો,જરૂર પડે તો નજીકનાં આયુર્વેદ ડોક્ટર પાસે શરીરશુદ્ધી  કરાવો અને શરુ થયેલા શ્રાદ્વપક્ષમાં રોજ મીઠી મધૂરી ખીર ખાઓ,પછી ચંદ્રકિરણોથી સેવાયેલા દૂધ-પૌવા ખાઓ(આપણે રોજ એ જ નથી ખાતા અને ન ખાવાનું બધું જ નવરાત્રીમાં ખાઈએ છીએ…!!!) અને સો શરદઋતુ સુધી દરેક તહેવારોની મોજ માણો… 

Write a comment

Your email address will not be published. All fields are required